♠ ખોટો રૂપિયો ♠

સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય' સંસ્થાના સ્થાપક ભિક્ષુ અખંડાનંદજીને કોઈ એક માણસે ખોટો રૂપિયો પધરાવી દીધો.

સંસ્થા પર આવીને તેમણે રૂપિયો ખખડાવ્યો તો બોદો નીકળ્યો. તરત જ તેઓ સંસ્થાના એક કર્મચારી પાસે ગયા અને કહ્યું, ''જમીનમાં એક ખાડો ખોદીને આ ખોટો રૃપિયો દાટી દે.''

કર્મચારીએ કહ્યું, ''અરે, એને જમીનમાં દાટવાની કોઈ જરૃર નથી. હું હમણાં જ બજારમાં જઈને કોઈ દુકાનદારને પધરાવી દઈશ!'' ભિક્ષુ અખંડાનંદજીએ કહ્યું, ''ના, એવું ન કરતો. આ કરવું તે એક પાપ છે. આવા અપ્રમાણિક કામથી તો આપણે દૂર જ રહેવું જોઈએ. ખોટા રૃપિયાને સાચો રૃપિયો ગણાવીને કોઈને આપવો એ મોટી અનીતિ તો છે જ, બલકે તે એક અસત્ય પણ કહેવાય. ધાર કે આ ખોટો રૂપિયો કોઈ અબુધ ગરીબના હાથમાં જાય તો એની શી વલે થાય? બધી જગ્યાએથી એને આ ખોટા રૂપિયાથી ઘરની ચીજ લીધા વિના પાછા ફરવાનું થાય અને તેને પરિણામે તેનાં બાળકોને અન્ન વિના ટળવળવું પડે. આ ખોટા રૃપિયાને જમીનમાં જ દાટી દે.''

ભિક્ષુ અખંડાનંદજીની આ પ્રમાણિકતા અને નીતિમત્તાથી પ્રસન્ન થયેલા એ કર્મચારીએ તે ખોટો રૂપિયો જમીનમાં દાટી દીધો.

- મિતેશભાઈ એ. શાહ