♠ સાચો મારગ ♠

જૂનાગઢનો રાજા. ગરવીલો રા'ખેંગાર.

એક દિવસ શિકારે ગયો. આજુબાજુ ગાઢ જંગલો છે. જંગલોમાં જંગલી પશુઓનો પાર નથી. પણ તે દિવસે રાજા રાહ જોતો થાકી ગયો. વન વન ઘૂમીને પરસેવે રેબઝેબ થઈ ગયો. તેને વનમાં ન મળ્યો સિંહ કે ન મળ્યો વાઘ. ન ભેટી ગયું રીંછ કે ન વહાલું થયું વરુ. ડાઘિયા દીપડાની તો શી વાત કરવી, અરે જંગલી ભૂંડ પણ ભાળવા ન જ મળ્યું.

રા'ખેંગાર તો દૂર દૂર નીકળી ગયો. પણ શિકાર ન દેખાયો તે ન જ દેખાયો. છેવટે તેની નજરે સસલાંઓ પડી ગયાં. બિચારા ભોળા ભલા જીવ આમ-તેમ અટવાતા હતા. રાજાની તીખી કરાળ બંદૂકે સસલાંઓની છાતી ફાડવા માંડી. ધાંય ધાંય ! એક પછી એક સસલાંઓ માથું પટકી પટકીને વીંધાતાં થઈ ગયાં.  રાજા જાણે મોટાની દાઝ નાના પર કાઢતો હતો. રાજાએ તો ઘોડાની પીઠ સસલાંઓથી ભરી દીધી. એક સિંહ સાથે ઝપાઝપી ન થઇ તો કંઈ નહીં, સસલાંઓ કેટલાં હાથ આવ્યાં છે, જુઓ તો !
પણ હવે જવું કઈ દિશામાં ? મારગ ભુલાઈ ગયો. જંગલની બહાર નીકળવું અઘરું છે. ઘરનો મારગ શોધી કાઢવાનું સહેલું નથી. કોઈ કેડી જ નથી, તો પછી તેને નિવાસ સુધી તેડી જ કોણ જવાનું છે ?

આખરે તેને એક ટેકરી જોવા મળી. ટેકરી પર એક સાધુ ધૂણી ધખાવી રહે છે.

રા'ખેંગારે જઈને પૂછી જોયું : 'મારગ બતાવશો ?' સાધુએ રાજાનો ઘોડો જોયો. ઘોડા પર ભોળાં ભલાં સસલાંઓનો ઢગ જોયો.

સાધુ કહે : 'મારગ બે જ છે. સરગનો અને નરકનો. વાલાં ભોળાં ભૂલકાંઓને પાળો પોષો, તેમની પર વહાલ વસાવો, તેમને જીવતદાન આપો અને તમને સરગનો મારગ મળી જશે. એવા રૂપાળા સોહામણા જીવની કાલિત બંદૂકથી હિંસા કરો અને તમને નરકનો મારગ મળી જશે.'

રાજા રા'ખેંગારને જબરો આંચકો લાગી ગયો. વીજળી જ પડી. સસલાંઓનો શિકાર કરી તે સરગનો મારગ ચૂકી ગયો હતો, એની તેને ખાતરી થઈ. તેણે સાધુને નમનવંદન કરી દીધા અને જીવહિંસા નહીં કરવાની ટેક લીધી. સાધુએ તેને સાચો મારગ બતાવી દીધો.

🌹  કોઈક વખત મારગ ભૂલીને જ સાચો મારગ હાથ આવે છે. ભૂલા પડવામાંથી પણ નવી દિશા દેખાઈ જાય છે. જેઓ ભૂલા જ પડતા નથી, તેઓ નવી કેડી પણ કેવી રીતે શોધી શકવાના છે ? થોડાંક સસલાંઓ મરી ગયાં પણ એ સસલાંઓની શહીદી કામ આવી. એ મરેલાં સસલાંઓએ પાછળનાં તમામ સસલાંઓને બચાવી લીધાં. 🌹

- હરીશ નાયક
- ઝગમગ (ગુજરાત સમાચાર)