♠ મોતનું મનોરંજન ♠

બાબરનો પુત્ર અને અકબરનો પિતા હુમાયુ જેટલો ભટક્યો છે જિંદગીમાં, એટલું કોઇ ભાગ્યે જ ભટક્યું હશે !

દિલ્હીથી ઠેઠ કાબૂલ-કંદહાર સુધી તેને ભાગવું પડેલું, અને કાબૂલથી કેટલીય એવી અજાણી જગ્યાએ તેને ભટકવું પડયું કે તે એક રખડેલ અને ભટકેલ માનવી બની ગયો હતો.

પોતાની આવી દશામાં જ તેને સ્ત્રી હમીદાબાનુએ તેના પુત્ર અકબરને જન્મ આપ્યો હતો.

હાર્યો, જીત્યો, જીત્યો, હાર્યો, અને જિંદગી ભર રખડી રખડીને પણ છેવટની  દશામાં હુમાયુએ દિલ્હીની ગાદી મેળવી તો ખરી જ !

એ હુમાયુનું જીવન રણાંગણમાં પસાર થયું હતું તેમ છતાં તે એક વિદ્વાન માનવી હતો. અને જ્ઞાાનપિપાસુ હતો. જ્યાં પુસ્તક મળે ત્યાં વંાચી લીધા સિવાય તેને ચેન પડતું નહિ. અને ચાર માનવી વચ્ચે બેસીને જ્ઞાાનપૂર્ણ વાણી સાંભળવીતો તેને ઘણી જ ગમતી.

એ જ હુમાયુનું મૃત્યુ કોઇ વિચિત્ર દશામાં થયું. તે એક વાર પોતાના પુસ્તકાલયના ઘોડા પર ચઢ્યો હતો. તેણે કેટલાંક પુસ્તકો હાથમાં લીધાં ત્યારે જ પેલી સીડી ખસી ગઇ. હુમાયુ ઠેઠ ઉપરથી નીચે ફસડાયો અને ત્યાંજ તેનો અંત સમય આવી ગયો.

ચારે બાજુ પુસ્તકો જ, પુસ્તકો પડેલાં હતાં. અને ત્યારે તેના ચહેરા ઉપર તો  પુલકિત હાસ્ય શોભાયમાન હતું.

અકબર દોડી આવ્યો ને પૂછ્યું : 'અબ્બાહજૂર, આપને તો ઘણી ચોટ આવી છે અને, આપ હસી રહ્યા છો ?'

અબ્બાહજૂરે કહ્યું : 'બેટા, આ ચોટ છેવટની છે. પણ હું હસ્યો તેનું એક કારણ એ છે, બેટા ! મેં હંમેશા એવી ઇચ્છા રાખી હતી કે, કાં તો હું યુદ્ધમોરચે મરું, રણાંગણમાં શત્રુઓની વચમાં ઘેરાઇને લડતો લડતો મરું, અને જ્યારેહું મરું ત્યારે મારી ચારે બાજુ શહીદોના શબના ઢગલા પડેલા હોય. એ સ્વપ્ન યુવાવસ્થાનું હતું. પણ મારી વૃદ્ધાવસ્થાનું શું સ્વપ્ન હતું એ તું જાણે છે ?'

અને તેમના વૃદ્ધ હોઠ ઉપરથી જાણે કે સ્વપ્નનું એક ગુલાબી ફૂલ ઊઠતું હોય તેવું ગુલાબી સ્મિત ખીલી ઊઠયું.

તેમણે કહ્યું : 'મારું વૃદ્ધાવસ્થાનું સ્વપ્ન હતું કે બેટા, જ્યારે હું મરું ત્યારે મારી આજુબાજુ પુસ્તકોનો ઢગ ખડકાયેલો હોય. વિદ્યા તથા વિદ્વત્તાની વચમાં નીપજતું મોત મોટામાં મોટું, ને ભવ્યતામાં ભવ્યતાવાળું હોય છે, બેટા, જિંદગીભર હું ઝંખતો રહ્યો છું. આજે મારા સારા નસીબે પુસ્તકો વચ્ચે ઘેરાઇને મરવાનું મળે છે એ શું મારું ઓછું સૌભાગ્ય છે ? મારું મોત ધન્ય થઇ ગયું છે. અકબર ! મારા મોતનું માતમ મનાવીશ નહિ.'

એટલું કહી શહેનશાહ હુમાયુએ આંખો મીંચી, પણ તેના હોઠ તો ઉઘાડા જ રહ્યા, હસતા રહ્યા.

ઇચ્છિત અને મન ગમતા મોતની પણ કોઇ અનેરી ખુશી હોય છે. મોતનું પણ કેવળ માતમ હોતું નથી, મનોરંજન પણ હોય  છે.